પ્રિયંકા ચોપરાનું પ્રોડક્શન હાઉસ હવે અમેરિકામાં કાર્યરત
પ્રિયંકા ચોપરાનું પ્રોડક્શન હાઉસ હવે અમેરિકામાં કાર્યરત
Blog Article
અમેરિકામાં સ્થાયી થયેલી પ્રિયંકા ચોપરા બોલીવૂડમાં સક્રિય થાય તેવું તેના ચાહકો ઇચ્છે છે. પરંતુ બીજી તરફ પ્રિયંકાની માતા મધુ ચોપરાએ સ્પષ્ટતા કરી હતી કે તેમની પુત્રીના પ્રોડક્શન હાઉસ ‘પર્પલ પેબલ પિક્ચર્સે’ તેની કામગીરી અમેરિકામાં શરૂ કરી છે.
મધુ ચોપરાએ પ્રોડક્શન હાઉસ અંગે કહ્યું હતું કે, “પ્રિયંકાની કંપનીએ અગાઉ ‘વેન્ટિલેટર’ અને ‘પાની’ જેવી નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મો સહિત દેશમાં ઘણી રીજનલ ફિલ્મોને મદદ કરી છે. પર્પલ પેબલ્સને હવે અમેરિકામાં સક્રિય કરવામાં આવ્યું છે તો હવે અમે ભારતમાં કોઈ ફિલ્મ નહીં બનાવીએ. પણ જો ભવિષ્યમાં પ્રિયંકા ફિલ્મ બનાવવા ભારત જશે, તો પછી જોઈએ શું થાય. બાકી હમણાં પ્રિયંકાનું આવું કોઈ આયોજન નથી.”
પર્પલ પેબલ પિક્ચર્સે 2016માં સંતોષ મિશ્રાની ભોજપુરી ફિલ્મ ‘બમ બમ બોલ રહા હૈ કાશી’થી શરૂઆત કરી હતી. તે પછી 2016માં રાજેશ માપુસ્કરની‘વેન્ટિલેટર’ આવી, જેમાં દિગ્દર્શક આશુતોષ ગોવારિકર મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મે ડિરેક્શન, એડિટિંગ અને સાઉન્ડ મિક્સિંગ માટેના ત્રણ નેશનલ એવોર્ડ પણ જીત્યા હતા.
2018માં પાખી ટાયરવાલાએ ડિરેક્ટર તરીકે પહેલી નેપાળી ફિલ્મ ‘પહુના: ધ લિટલ વિઝિટર્સ’ બનાવી હતી જેની પ્રોડ્યુસર પ્રિયંકા હતી. પ્રિયંકાએ 2019માં કરેલી મરાઠી પ્રોડકશનની ‘પાની’ ફિલ્મે પર્યાવરણ સંરક્ષણ પર શ્રેષ્ઠ ફિલ્મ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ જીત્યો હતો. આ સિવાય પ્રિયંકાએ પંજાબી, આસામી અને અંગ્રેજીમાં પણ ફિલ્મો પ્રોડ્યુસ કરી છે.
2019માં શોનાલી બોઝની ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’ તેમજ રામીન બહરાનીની 2020માં રિલીઝ થયેલી ‘ધ વ્હાઈટ ટાઈગર’માં પ્રિયંકા અભિનેત્રી ઉપરાંત કો-પ્રોડ્યુસર તરીકે પણ હતી.
તાજેતરમાં પ્રિયંકાએ લંડનમાં રુસો બ્રધરર્સની ‘સિટાડેલ’ની બીજી સિઝનનું શૂટિંગ પૂરું કર્યું છે. આ સિવાય પ્રિયંકા જ્હોન સીના અને ઈદ્રિસ એલ્બા સાથે ‘હેડ્સ ઓફ સ્ટેટ’માં જોવા મળશે. આવનારા દિવસોમાં પ્રિયંકા ફ્રેન્ક ઈ ફ્લાવર્સ દિગ્દર્શિત ફિલ્મ ‘ધ બ્લફ’માં કાર્લ અર્બન સાથે જોવા મળશે. ‘ધ બ્લફ’માં 19મી સદીના કેરેબિયનની વાત છે. આ ફિલ્મમાં પ્રિયંકા ભૂતપૂર્વ મહિલા લૂંટારુ તરીકે જોવા મળશે.